ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર-વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન 9.08 લાખ મેટ્રિક ટન હતું, 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદનની સંભાવના

0
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2025-26માં ગુજરાત માટે ગુજરાત માટે કેન્દ્ર તરફથી 50 કરોડની ગ્રાન્ટ રિલીઝ
ગાંધીનગર, 3 ઓગસ્ટ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 2340.62 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. 
છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.56 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન
ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.56 લાખ મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2023-24 (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,04,828 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,03,073 મેટ્રિક ટન થયું હતું. છે. આમ, વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,07,901 મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2024-25 (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,64,343 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,72,430 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2024-25માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 10,36,773 મેટ્રિક ટન થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના: વર્ષ 2025-26માં ગુજરાત માટે કેન્દ્ર તરફથી ₹50 કરોડની ગ્રાન્ટ રિલીઝ
મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલૉજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21 થી 2024-25 સુધી કુલ ₹897.54 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2025-26 માટે PMMSY હેઠળ ગુજરાતને ₹50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. 
મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો
ગુજરાતના 2340.62  કિમી લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 
ચાલુ વર્ષ 2025-26 માટે રાજ્ય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે, જેમાં મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફલોક/ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS)ની સ્થાપનામાં સહાય, ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય, કેજ કલ્ચર માટે સહાય (ભાંભરાપાણી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આધુનિક બોટ બિલ્ડીંગ યાર્ડની સ્થાપના ઉપર સહાય, બોટ માલિકો, મત્સ્યોધોગ સહકારી મંડળીઓ તથા મત્સ્ય વેપારીઓ માટે બ્લાસ્ટ ફ્રિઝર તથા કોલ્ડસ્ટોરેજ સ્થાપવા ઉપર સહાય, પરંપરાગત માછીમારો માટે હોડી (રિપ્લેસમેન્ટ) અને જાળી પ્રદાન કરવી, ફિશ બાય-પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ, સી-વીડ સીડ બૅન્કની સ્થાપના ઉપર સહાય, શ્રીમ્પ/ફિશ /ક્રૅબ હેચરીની સ્થાપના ઉપર સહાય, સી-વીડ કલ્ચર વગેરે માટે પણ સહાય (રાફ્ટ/ટ્યુબ નેટ) આપવામાં આવશે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top