સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૭/૧૨/૨૦૨૫ના રોજ વહેલી સવારથી જ થાનગઢના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ વિરૂધ્ધ મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થાનગઢ શહેરના ભડુલા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા તદ્દન ગેરકાયદેસર કોલસાના કુવાઓને તોડી પાડવા અને તેને લોડર મશીનની મદદથી બુરાણની કામગીરી ગતિશીલ બનાવવામાં આવી છે.
વહીવટી તંત્રની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કુદરતી સંપત્તિની ચોરી રોકવા અને જોખમી રીતે ખોદાયેલા આ કુવાઓને કારણે થતી દુર્ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા આ આકરૂ પગલું લેવામાં આવ્યું છે. હાલમાં લોડર મશીનો દ્વારા તમામ કુવાઓનું બુરાણ કરવાની કામગીરી પૂરજોશમાં કાર્યરત છે.!


