સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરો અને યુવાનો નશાની બદી તરફ ન વળે તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ પર વોચ રાખવા એસ.ઓ.જી. ટીમને માર્ગદર્શન અપાયું હતું. જે અંતર્ગત એસ.ઓ.જી. પોલીસે સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શખ્સોને ગેરકાયદેસર સ્મોકિંગ કોન સાથે ઝડપી પાડ્યા છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર અને રતનપર વિસ્તારમાં આવેલા ત્રણ અલગ-અલગ પાન પાર્લર પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ પાન પાર્લર (મયુરનગર-૨): રાજુભાઇ ઇશ્વરભાઈ રંગાડીયા, ડિલક્ષ પાન પાર્લર (રતનપર): ધરમશીભાઇ ગોવિંદભાઇ આલ, સ્મોક લાઇટ પાન પાર્લર (રતનપર બાયપાસ): અશ્વિનભાઈ ધનશ્યામભાઈ કાલીયા આ ત્રણેય સ્થળોએથી પોલીસને અલગ-અલગ ફ્લેવરના કુલ ૩૩૫ નંગ સ્મોકિંગ કોન/સ્ટીક (કિંમત અંદાજે રૂ.૩૩૫૦) મળી આવ્યા હતાસરકારના જાહેરનામાનો ભંગ કરવા બદલ આ ત્રણેય ઈસમો વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી 'એ' ડિવિઝન અને જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં કુલ ૩ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, આર.જે. ગોહિલ તથા અનિરૂધ્ધસિંહ ઝાલા, અશ્વિનભાઈ, મીતભાઈ, સાહીલભાઈ અને ડ્રાઈવર અશ્વિનભાઈ સહિતના સ્ટાફ જોડાયા હતા.



