૦૭ ઓગસ્ટ "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" શ્રેણી - ૧ ભારતનાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની પ્રતીતિ કરાવતું હેન્ડલૂમ ક્ષેત્ર

0
"વોકલ ફોર લોકલ"ને અનુરૂપ દેશમાં ખાદીના વેચાણમાં વધારો: "ઈન્ડિયા હેન્ડલૂમ" બ્રાન્ડનું સર્જન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય હસ્તકલાની ચીજ-વસ્તુઓનું વધી રહેલું વેચાણ
ભારતની સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન હિસ્સો એટલે હેન્ડલૂમ. દર વર્ષે ૦૭મી ઓગસ્ટના રોજ ઉજવાતો ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ’ (National Handloom Day), દેશના લાખો વણકરો, કારીગરો અને તેમના પરિવારોની કલા, પરંપરા અને આજીવિકાને સમર્પિત છે. આ દિવસ માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરતા આ ઉદ્યોગને નવજીવન આપવાનો એક સંકલ્પ છે.
તો ચાલો જાણીએ, હેન્ડલુમની સ્વદેશી આંદોલનથી આત્મનિર્ભરતા સુધીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે..
‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ’ની ઉજવણીનો ઇતિહાસ આઝાદીના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. પ્રાચીન ભારતીય કલાને પુનર્જીવિત કરી દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અને બ્રિટીશ સરકાર સામે બંગાળના ભાગલાના વિરોધમાં કલકત્તા ટાઉનહોલ ખાતે ૭ ઓગસ્ટ, ૧૯૦૫માં સ્વદેશી આંદોલન શરૂ થયું. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસન સામે બ્રિટિશ માલનો બહિષ્કાર કરીને ભારતમાં બનેલી વસ્તુઓ અપનાવવાનો હતો, જેમાં હેન્ડલૂમ કાપડ કેન્દ્રસ્થાને હતું. મહાત્મા ગાંધીએ ચરખાને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવીને આ ચળવળને વધુ વેગ આપ્યો હતો.
આ સ્વદેશી આંદોલનની ઐતિહાસિક ઘટનાના સ્મરણમાં, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ, ૨૦૧૫માં ૦૭ ઓગસ્ટને "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી. જે અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નાઈમાં કોલેજ ઓફ મદ્રાસના શતાબ્દી કોરિડોર ખાતે સૌ પ્રથમ વાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. આ નિર્ણય હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વને ફરીથી સ્થાપિત કરવાનો અને તેની ભૂતકાળની ગરિમાને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ હતો.
ભારતનું હેન્ડલૂમ વૈવિધ્ય: કળા અને પરંપરાનો સંગમ
ભારતનો દરેક પ્રદેશ તેની આગવી હેન્ડલૂમ કળા માટે વિખ્યાત છે. આ કળામાં માત્ર વસ્ત્રોનું ઉત્પાદન થતું નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી કથાઓ, માન્યતાઓ અને કૌશલ્યનો સમાવેશ થાય છે.
જેમકે, ગુજરાતમાં સુરેન્દ્રનગરનાં ટાંગલીયા, પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છનું ભરતકામ, ઉત્તર પ્રદેશમાં બનારસી સિલ્ક, જે તેના સોનેરી અને રૂપેરી જરીકામ માટે ઓળખાય છે, તે ભારતીય લગ્નોનો એક અનિવાર્ય ભાગ છે. આસામની મુગા સિલ્ક, જેની કુદરતી સોનેરી ચમક તેને અનન્ય બનાવે છે, તે આસામની સાંસ્કૃતિક ઓળખ છે. ઓડિશાની ઇકત સાડીઓ, જેની ભૌમિતિક ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગો પ્રખ્યાત છે. મધ્ય પ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડીઓ, જે સિલ્ક અને કોટનના મિશ્રણથી બને છે.
પશ્ચિમ બંગાળની જામદાની અને કાંથા વર્ક, જે બારીક વણાટ અને ભરતકામ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત, કાશ્મીરની પશ્મિના શાલ, આંધ્ર પ્રદેશની ધર્મવરમ, અને તમિલનાડુની કાંજીવરમ સાડીઓ પણ ભારતીય હેન્ડલૂમ વારસાના અમૂલ્ય રત્નો છે.
હેન્ડલૂમ ક્ષેત્રનું મહત્ત્વ, સરકારની કામગીરી અને વિકાસલક્ષી પહેલો
ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની પ્રતીતિની સાથે અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે. હેન્ડલૂમ સેક્ટર સમયાંતરે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ કુટીર ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે. તે લાખો લોકો, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે આજીવિકાનો એક મુખ્ય સ્ત્રોત છે. હેન્ડલૂમ વણકરો દ્વારા કપાસ, રેશમ, અને ઊન જેવા કુદરતી રેસાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હાથવણાટના ઉત્પાદનો માત્ર સ્થાનિક બજારોમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી માંગ ધરાવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના "વોકલ ફોર લોકલ"ના આહ્વાનથી દેશમાં ખાદી સહિતના સ્થાનિક ઉત્પાદનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પુરી પાડવા તથા સારી ગુણવત્તા ધરાવતા હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે "ઈન્ડિયા હેન્ડલુમ" બ્રાન્ડ પણ બનાવવામાં આવી છે. આ બ્રાન્ડ દ્વારા રાષ્ટ્રીય બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા કારીગરોને આર્થિક સહાય, તાલીમ અને આધુનિક સાધનો પૂરા પાડવા માટે વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનોનું આયોજન કરીને હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેન્ડલૂમ કલા કારીગરોનું સન્માન કરવા સરકાર દ્વારા સમયાંતરે વણકરોને કામના વિકલ્પો વિશે માહિતગાર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. 
વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત@૨૦૪૭ની પરીક્લ્પાને સાકાર કરવામાં તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હેન્ડલૂમ ક્ષેત્રનો પણ મહત્વનો ફાળો રહેશે. કારીગરોના કૌશલ્યમાં સુધારો, વ્યક્તિગત વર્ક શેડનું નિર્માણ, ડિઝાઇન અને ઉત્પાદનનો વિકાસ, કોમન ફેસિલિટી સેન્ટર્સની રચના વગેરે જેવા વિવિધ પ્રકલ્પો મારફત હાથવણાટ ઉદ્યોગનો સંકલિત અને સંપૂર્ણ વિકાસ જુદી જુદી યોજનાઓ હેઠળ થઈ રહ્યો છે. 
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં દિશા નિર્દેશ હેઠળ ગુજરાત રાજ્ય પણ આ દિશામાં સક્રિય રીતે પ્રયાસરત છે. હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓના વેચાણમાં વધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) દ્વારા આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં નવા "ગરવી-ગુર્જરી" એમ્પોરિયમ શરૂ કરવાની યોજના છે. આ એમ્પોરિયમ્સ સ્થાનિક હસ્તકલા અને હાથશાળના ઉત્પાદનોના વેચાણ માટે એક મંચ પૂરો પાડશે, જેનાથી કારીગરોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહેશે.
આમ, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ ભારતના કારીગરોના જીવન, તેમની મહેનત અને તેમના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની જવાબદારીની પ્રતીતિ કરાવે છે. હેન્ડલૂમ ઉત્પાદનોની ખરીદી કરીને, આપણે માત્ર સુંદર વસ્ત્રો જ નથી ખરીદતા, પરંતુ આપણે એક કલા, એક પરંપરા અને એક પરિવારને જીવંત રાખવામાં યોગદાન આપીએ છીએ. આ દિવસ આપણને સૌને સ્વદેશી અપનાવવા અને દેશના લાખો કારીગરોને સન્માન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવા "વોકલ ફૉર લોકલ" અપનાવી રોજનું કામકાજ કરતા કરતા પણ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે છે. આપણા હેન્ડલૂમ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને આપણા હેન્ડલૂમ વણકરોને, ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવાના સરકારશ્રીના સંકલ્પને આગળ ધપાવવા કટિબદ્ધ બની સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોનું સમર્થન કરીએ.
(માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર વિશેષ અહેવાલ:- શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top