સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના એસટી ડેપો ખાતે તા. 14 ઓગસ્ટના રોજ "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત તિરંગા વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડેપોના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન, ડેપો મેનેજર ડી.વી. ચૌધરી, એટીઆઈ આર.પી. સોલંકી, સંદીપસિંહ, સંદીપસિંહ રાણા, યુનિયનના મહેન્દ્રસિંહ પરમાર, રાજભા પરમાર અને કાનાભાઈ ભરવાડ (ક્રિષ્ના એસટી કેન્ટીન) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ડેપોમાં આવતા મુસાફરોને તિરંગાનું વિતરણ થતાં જેનાથી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
આ તકે, મુસાફરોને તેમના ઘરો, દુકાનો અને વાહનો પર તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ દેશની આઝાદી, એકતા અને ગૌરવનું પ્રતીક છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન "આન, બાન અને શાન" સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી અને સૌએ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓએ સહકાર આપ્યો હતો અને દેશભક્તિના માહોલમાં સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.




