ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની ટીમે શહેરમાં આવેલ એક પ્રાઇમ લોકેશન પરની સરકારી જમીન પરના મોટા ગેરકાયદેસર દબાણને આઈડેન્ટીફાય કરી, દબાણકર્તાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી હોસ્પિટલની સામેની બાજુએ આવેલ 'કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન' ની જમીન શંકાસ્પદ જણાતા, નાયબ કલેક્ટરે તાત્કાલિક મામલતદારશ્રી અને સર્કલ ઓફિસરશ્રી ચોટીલાને સ્થળ પર રેકર્ડ સાથે હાજર થવા જણાવ્યું હતું. રેકર્ડની ખરાઈ કરતા, આ જમીન સંપૂર્ણપણે સરકારી હોવાનું અને તેના પર તદ્દન ગેરકાયદેસર દબાણ થયેલ હોવાનું બહાર આવ્યું હતું.
૨૫૦૦ ચો.મી. સરકારી જમીન પર દબાણ કરીને, તેમાંના ૫૦૦ ચો.મી. જમીન પર પાકું બાંધકામ કરી ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. બાકીની જમીનનો ઉપયોગ ગાયોના તબેલા તથા અન્ય હેતુ માટે થતો હતો.
ગોડાઉન ચલાવનાર રોહનભાઇ દર્શકભાઇ આચાર્ય (રહે. સુરેન્દ્રનગર)ની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ ગેરકાયદેસર દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઇ બાવકુભાઇ ખાચર (ફોરેસ્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભરતભાઇ ખાચર આ સરકારી જમીનનું ભાડું માત્ર રૂ. ૫,૦૦૦ હોવા છતાં, દર મહિને રૂ. ૧૨,૦૦૦ વસૂલ કરતા હતા.
નાયબ કલેકટરની ટીમે ગેરકાયદેસર ગોડાઉનમાં રાખવામાં આવેલ ૪૨,૦૦૦ કીટલી પાણીની બોટલો, ૬,૦૦૦ અલગ અલગ કંપનીની ઠંડા પીણાની બોટલો, કુલ ૪૮,૦૦૦ બોટલો આ મળીને કુલ રૂ. ૧૧,૪૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વન વિભાગના કર્મચારી ભરતભાઇ બાવકુભાઇ ખાચર દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને તેનો અનધિકૃત ઉપયોગ કરી નફો મેળવવામાં આવતો હોવાથી નાયબ કલેકટરે મામલતદાર ચોટીલાને તેમની સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ મુજબ દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબિંગ હેઠળની કાર્યવાહી અને સરકારી જમીનમાં દબાણ તેમજ ખોદકામ બદલ વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે તાત્કાલિક સૂચનાઓ આપી છે.



