થાનગઢ (સુરેન્દ્રનગર): થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં આવેલી 'ફટકડી' તરીકે ઓળખાતા ખરાબાની જગ્યામાંથી પોલીસે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી થાનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં દારૂ બનાવવા માટેનો આશરે ૮૦૦ લિટર આથો સહિતનો કુલ રૂ. ૧૭,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વેલાળા ગામની સીમમાં તળાવના પાળ પાસે આવેલી ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસે દરોડો પાડ્યો હતો.
જોકે, પોલીસની આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સુરેશભાઈ નરશીભાઈ સારલા (રહે. નળખંભા, તા. થાનગઢ) ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર થયેલા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર રેડ થાનગઢ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.બી. હિરાણીના માર્ગદર્શન હેઠળ અભયસિંહ ચુડાસમા, જેન્તીભાઈ કાનાભાઈ સભડ અને ભવાનભાઈ સહિતની પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.



