મુળી તાલુકાના સરા થી સુંદરીભવાની વચ્ચેના બિસ્માર રસ્તાની દુર્દશા સામે સ્થાનિક રહીશોએ તા. 01 ઓગસ્ટ 2025 ના રોજ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી બગડેલા અને ખાડાઓથી ભરેલા આ રસ્તાને કારણે ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકારના ભ્રષ્ટ શાસન સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગ્રામજનોએ યજ્ઞનું આયોજન કર્યું હતું.
ગામલોકોએ સૌપ્રથમ ગંગાજળ છાંટી માર્ગનું શુદ્ધિકરણ કર્યું હતું. ત્યારબાદ, ભ્રષ્ટાચારના અંત માટે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ વિધિવત મંત્રોચ્ચાર સાથે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યજ્ઞ દરમિયાન, ગ્રામજનોએ ભવિષ્યમાં ખોટા વચનો આપનારા નેતાઓ સામે સજાગ રહીને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લીધો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ રસ્તાની હાલત ઘણા વર્ષોથી ખરાબ છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
ખાસ કરીને વરસાદની ઋતુમાં આ રસ્તો અતિશય ખરાબ બની જાય છે, જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


