સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું (IPS) દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને જેલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના પગલે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) ટીમે ધ્રાંગધ્રા સબ જેલ ખાતે આકસ્મિક દરોડો પાડી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે એસ.ઓ.જી. સ્ટાફ અને જેલના અધિકારીઓએ સંયુક્ત રીતે જેલની વિવિધ બેરેકોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બેરેક નંબર-૦૭ માં તપાસ કરતા બાથરૂમની ચોકડીમાં એક ડોલ નીચે છુપાવીને રાખવામાં આવેલો વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ૫૦૦૦ની કિંમતનો આ મોબાઈલ કબજે કર્યો છે.
જેલ જેવા પ્રતિબંધિત વિસ્તારમાંથી મોબાઈલ મળી આવતા પોલીસે પ્રીઝન્સ એક્ટ-૧૮૯૪ ની કલમ ૪૨, ૪૩ અને ૪૫ મુજબ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ મોબાઈલ જેલની અંદર કોણ લાવ્યું અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમાં SOG PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ સહિત ASI અનિરૂધ્ધસિંહ ઝાલા, HC અરવિંદસિંહ ઝાલા, PC અનિરુધ્ધસિંહ ઝાલા અને PC સાહીલભાઈ સેલોત સહીતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.


