દસાડા તાલુકાના પાનવા ગામે શ્રી લેખેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી પાશ્ચર્વપદ્માવતી જૈન ગૌશાળા ખાતે પરમ પૂજ્ય જૈનાચાર્ય રાષ્ટ્ર સંત કોંકણ કેસરી શ્રીમદ વિજય લેખેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
ગૌશાળાના પવિત્ર પ્રાંગણમાં પૂજ્ય શ્રીમદ વિજય લેખેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે સૌને આશીર્વાદ આપીને હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓ અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ૨૦૦ વૃક્ષોનું રોપણ કરીને વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ, ગૌશાળા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આગામી સમયમાં વધુ મોટા પાયે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણની આ પહેલને વેગ આપવાનો સંકલ્પ પણ લેવાયો હતો.કાર્યક્રમમાં નિવૃત વન અધિકારી શ્રી એચ.કે. રબારી, ગામના સરપંચશ્રી, આગેવાન શ્રી ખેંગારભાઈ ડોડીયા, શ્રી સુરેશભાઈ રબારી, શ્રી દિલીપભાઈ, રેન્જ ઓફિસર શ્રી સોલંકી, શ્રી વિષ્ણુભાઈ મકવાણા, શ્રી સતિષભાઈ, શ્રી રવિભાઈ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા અને વૃક્ષારોપણમાં સહભાગી બન્યા.


.jpeg)
