સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાની સૂચનાથી અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાની ટીમો દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં થયેલી બે મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
આ ચોરીઓમાં, મેથાણ ગામના રામજી મંદિરમાં અને કટુડા ગામના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ગુનાઓ અનડિટેક્ટ હતા. LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પ્રવિણભાઈ અમરશીભાઈ થરેશા (રહે. ધ્રાંગધ્રા, વાવડી) નામના એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જયેશભાઈ પટેલની વાડીએ, મેથાણ-માનપુર ગામની સીમમાં, ચોરીના મુદ્દામાલ સાથે વેચાણ કરવાની પેરવીમાં હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી પીળા ધાતુના દાગીના અને રોકડ રૂપિયા મળીને કુલ રૂ.54,453નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા, દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકીયા, પ્રતાપસિંહ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી, સંજયભાઈ પાઠક, કપીલભાઈ સુમેરા, મહેન્દ્રભાઈ દાદરેસા, મેહુલભાઈ મકવાણા અને વિજયસિંહ રાઓલનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે.


