મુળી તાલુકાના સરા ગામમાં ફરજ બજાવતા PGVCLના આસિસ્ટન્ટ લાઇનમેન બાબુલાલ શિયાળીયા (ઉ. 40 વર્ષ)નું વીજશોક લાગવાના કારણે દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું છે. આ ઘટનાથી PGVCL, તેમના પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બાબુલાલ શિયાળીયા સરા PGVCL ખાતે આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા. તેમનો જવાબદારી વિસ્તાર સુંદરીભવાની ગામના 66 કે.વી. સબ સ્ટેશન સુધીનો હતો. આજે, તા. 5 ઓગસ્ટના રોજ, સુંદરીભવાની 66 કે.વી. સબસ્ટેશનમાંથી નીકળતા "રાજ" એ.જી. ફીડરમાં ફોલ્ટ સર્જાતા H.T લાઇનનો વાયર તૂટી ગયો હતો.
આ તૂટેલા વાયરનું સમારકામ કરવા માટે બાબુલાલ શિયાળીયા સબસ્ટેશનની પાછળના ભાગે આવેલા થાંભલા પર ચઢ્યા હતા. તેઓ વાયર સાંધવાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં તેમને વીજશોક લાગ્યો હતો. વીજશોક લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા.
ઘટના બાદ તેમને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ બાબુલાલ શિયાળીયાના મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે હળવદ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. એક નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીના અચાનક અવસાનથી PGVCL વિભાગમાં અને તેમના પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. આ દુઃખદ ઘટનાએ વીજતંત્રના કર્મચારીઓના જોખમી કામની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે. સમગ્ર ગામમાં આ કરુણ ઘટનાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.


