સુરેન્દ્રનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લીંબડી તાલુકાના ઉઘલ ગામમાંથી એક ખેડૂતની તેના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉગાડેલા ગાંજાના છોડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચના મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI બી.એચ. શીંગરખીયાને બાતમી મળી હતી કે,
લીમડીના ઉઘલ ગામે લાભુભાઈ નારૂભાઈ છલુરા (ઉંમર 54) પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આથી પોલીસે ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી એસઓજી ટીમે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસે કુલ 140 લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. આ ગાંજાના છોડનું વજન 18 કિલો 400 ગ્રામ અને તેની કિંમત રૂ.1,84,000નો જપ્ત કરી આરોપી લાભુભાઈ છલુરાની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે ઝડપાયેલ ઈસમ સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ અને અન્ય પોલીસકર્મીઓની ટીમ જોડાઈ હતી.



