સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) ની સૂચના અનુસંધાને એલ.સી.બી. પોલીસે સક્રિય કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને તેમની ટીમે લીંબડી ખાતેથી ડોલર દ્વારા છેતરપિંડી કરતા એક ઈસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ છે.
આ ઘટનાની વિગત મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કામગીરી દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અજયભાઈ હિંમતભાઈ ચુડાસમા (રહે. હડમતીયા, ભાવનગર) નામના આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી ચીટિંગ દ્વારા મેળવેલા રૂ. ૨,૯૦,૦૦૦, એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦), અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫૦૦) સહિત કુલ રૂપિયા ૩,૪૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુના કરવાની મોડસ ઓપરેન્ડી આરોપી અને તેના સાથીઓ પ્રથમ લોકોને વિશ્વાસમાં લે છે તેઓ સસ્તા ભાવે ૧૦૦ ડોલરની નોટો આપવાની લાલચ આપે છે. શરૂઆતમાં તેઓ સાચી ૧૦૦ ડોલરની નોટ બતાવી વિશ્વાસ જીતે છે અને પછી છેતરપિંડી કરતી વખતે એક ૧૦૦ ડોલરની નોટની નીચે એક-એક ડોલરની નોટોનું બંડલ રાખીને છેતરપિંડી કરતા હતા. જ્યારે વધુ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો અજય ચુડાસમા જસદણ અને બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલા અને અન્ય સ્ટાફ જોડાયા હતા. વધુ કાર્યવાહી માટે આરોપીને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.



