ખરીફ ૨૦૨૫-૨૬ સીઝન માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.૨૨.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે.
ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ (VCE) મારફતે પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. તદુપરાંત ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવતા, વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને ટેકાના ભાવે પોતાના પાકની ખરીદી સુનિશ્ચિત કરી શકશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


