ગુજરાત સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં ૫૦ ટકા ફાળા સાથે દેશમાં પ્રથમ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

0
દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત -મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે; ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકૉર્ડબ્રેક ૬૬ લાખ મે. ટન થવાનો અંદાજ
********
મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે ૫૦ ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાં કુલ ૧૫.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૨૫ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.
તેવી જ રીતે, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦ લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ ૫૨.૨૦ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ ૬૬ લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૦૬૮ કરોડના મૂલ્યની કુલ ૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે, તેમ તેમણે કહ્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર દ્વારા થતી સીધી ખરીદી અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધનોના પરિણામે ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે.
ગત વર્ષે રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ
********
મગફળીનું સારું ઉત્પાદન મેળવવા અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી ગુજરાત ગ્રાઉન્ડનટ-૨૦, ૩૨, ૩૯, ૨૩ નંબર અને ગિરનાર-૪ જેવી લોકપ્રિય જાતોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મગફળીનો ઉપયોગ મુખ્યત્વે આહાર અને ખાદ્યતેલમાં થાય છે, જે ગુજરાતી ભોજનનો અભિન્ન અંગ છે. આ ઉપરાંત તેના ખોળનો ઉપયોગ પશુ આહારમાં પણ થાય છે. ગુજરાતની જમીન અને આબોહવા મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી છેલ્લા ૧૫૦ વર્ષ કરતા પણ વધુ સમયથી રાજ્યમાં મગફળીનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. એમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશને તો “મગફળીનો ગઢ” માનવામાં આવે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top