સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ફૂલગામ પાટિયા પાસે એક ભયાનક અકસ્માત થયો છે. ડમ્પર અને મજૂરોને લઈ જઈ રહેલા એક 'છોટા હાથી' ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે 14થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
જ્યારે જાણવા મળતી વિગત મુજબ આ પરિવાર દાહોદથી મુળી તરફ મજૂરી કરવા જઈ રહ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.


