સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ગરબાના આયોજન મુદ્દે બે જૂથ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ થઈ હતી. આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે વાત મારામારી અને ગોળીબાર સુધી પહોંચી ગઈ. મળતી માહિતી મુજબ ગરબા બંધ રખાવવા મુદ્દે થયેલા ઝઘડામાં લગભગ ૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આથી ઘટનાની ગંભીરતાને જોતા થાનગઢ પોલીસ સક્રિય બની હતી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બે મુખ્ય આરોપીઓ, બન્ટુ પરમાર અને બાબુ પરમારને ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં આરોપીએ સામા પક્ષે બાબુભાઇ પરમારે ભરતભાઇ રાઠોડ, શીલુભાઈ રાઠોડ મનુભાઈ રાઠોડ અને અજાણ્યા વ્યક્તિ 2 સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ અમારા વિસ્તારમાં ગરબી ચોકમાં ગરબીનું આયોજન થતુ હોય છે. ભૂતકાળમાં ગરબી દરમિયાન છેડતીના અને દીકરીઓ ભાગી ગયાના બનાવો બન્યા હોવાથી બાબુભાઈ અને કાકાનો દીકરો બંટુભાઇ પરમાર ગરબી ચોકે જઈ ભરતભાઇ રાઠોડ અને શીલભાઈ રાઠોડ, મનુભાઈ રાઠોડ તથા હશીબેનના 2 છોકરાને ગરબી આયોજન ન કરવા સમજાવા ગયા હતા. આથી તેઓએ બોલાચાલી કરી લાકડીથી ઘા માર્યા અને માર માર્યાની ફરિયાદ નોધાવી હતી.
આ ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ સામેલ હોવાનું મનાઈ રહ્યું છે અને પોલીસે તેમની શોધખોળ પણ શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


