સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સુરેન્દ્રનગરની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પો.સબ ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.એચ.ઝાલાની ટીમોએ જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન પો.હેડ કોન્સ પ્રવિણભાઇ કોલા અને પો.કોન્સ.કૃણાલસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, લીંબડી તાલુકાના ભલગામડા ગામે એક મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમે ભલગામડા ગામમાં દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા નટુભા રાણાના કબજા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કુલ ૫૨૬ બોટલો, જેની કિંમત રૂ. ૧,૯૦,૪૦૦ અને ૨૧ બિયર ટીન, જેની કિંમત રૂ. ૩,૭૮૦ છે, મળી આવ્યા હતા. આ ઉપરાંત, રૂ. ૫૦૦નો એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. ૧,૯૪,૬૮૦નો મુદ્દામાલ કબજે કરી એક આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા નટુભા રાણા (રહે. ભલગામડા, તા. લીંબડી)ની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા (રહે. ભલગામડા)ને પકડવાના બાકી છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.એચ.ઝાલા અને સ્ટાફના પો.હેડ કોન્સ પ્રવિણભાઇ કોલા, પો.કોન્સ.કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઇ સભાડ જોડાયા હતા. જ્યારે લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


