પોલીસે ટ્રક ટેલર, મોબાઇલ ફોન, વેસ્ટ કપડાની ગાસડીઓ તેમજ રોકડ મળી કુલ કી.રૂ. ૮૯,૯૭,૨૨૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS)ની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર કટારીયા ગામના પાટીયા નજીક આવેલા ટોલ પ્લાઝા પાસેથી એક ટ્રક ટેલરને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.
આવતપાસ દરમિયાન ટ્રક ટેલરમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૫૩૬ અને બીયરના ટીન નંગ ૯૩૩૬ મળી આવ્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂ. ૭૪,૮૨,૭૨૦ છે, તેને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક ટેલર કી.રૂ. ૧૫,૦૦,૦૦૦, મોબાઇલ ફોન કી.રૂ. ૫,૦૦૦, વેસ્ટ કપડાની ગાસડીઓ કી.રૂ. ૫,૦૦૦ અને રોકડ રૂ. ૪,૫૦૦ સહિત કુલ કી.રૂ. ૮૯,૯૭,૨૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ટ્રક ડ્રાઇવર ટીકરામ લાધરામ જાણી જાટ (રહે. નવાતલા રાથોરન, તા. ચોહટન, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આ ગુનામાં અન્ય બે આરોપીઓ, રમેશ (રહે. સીધારી, જી. બાડમેર, રાજસ્થાન) અને ટ્રક ટેલરના માલિકો, હજી પકડવાના બાકી છે. પોલીસે આરોપી વિરૂધ્ધ પાણસીણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પો.સબ.ઇન્સ. આર.એચ.ઝાલા તથા સ્ટાફના પો.હેડ કોન્સ.પ્રવિણભાઇ કોલા તથા પો.કોન્સ.કુલદીપભાઇ બોરીયા તથા પો.કોન્સ કુનાલસિંહ ઝાલા તથા પો.કોન્સ ભરતભાઇ સભાડ તથા પો.કોન્સ કપીલભાઈ સુમેરા તથા પો.કોન્સ.મેહુલભાઇ મકવાણા તથા પો.કોન્સ.દેવરાજભાઈ જોગરાજીયા તથા પો.હેડ કોન્સ યુવરાજસિંહ વાધેલા સહિત પોલીસ અધિકારી કર્મચારીઓએ જોડાયા હતા.



