"સ્વચ્છતા હી સેવા 2025" અભિયાન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના કલ્યાણ અને આરોગ્ય સુરક્ષા માટે "સફાઈમિત્ર સુરક્ષા શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સફાઈ કામદારો માટે વિવિધ આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવામાં આવ્યા હતા.
આ મેડિકલ શિબિરમાં કુલ 317 સફાઈ કામદારોની બિન-ચેપી રોગો (NCD)ની તપાસ અને સામાન્ય આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, 40 સ્ત્રી રોગચિકિત્સકો દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓના આરોગ્યની વિશેષ તપાસ કરવામાં આવી, જ્યારે 30 એમડી ફિઝિશિયન સંબંધિત તપાસો પણ કરવામાં આવી હતી.
આ શિબિર દરમિયાન સફાઈ કામદારોને સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ, ABHA કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, અને NMASTE યોજનાનો સમાવેશ થાય છે. આ શિબિરમાં 10 નવા આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યારે બાકીના સફાઈ કામદારોને પહેલેથી જ આયુષ્માન કાર્ડ આપવામાં આવેલા છે.
સફાઈ કામદારોના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 450 સફાઈ કામદારોને 2250 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા સફાઈ કામદારોના પરિવારોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સફાઈ કામદારોના આરોગ્ય, સુરક્ષા અને સામાજિક કલ્યાણ માટે સતત પ્રયાસરત છે. આ શિબિર દ્વારા "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત"ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.




