સુરેન્દ્રનગર: રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબની સૂચનાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ અટકાવવા માટે મુળી પોલીસે અસરકારક કામગીરી કરી છે.
ડીવાયએસપી વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મુળી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.બી. લક્કડ અને સ્ટાફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મુળી તાલુકાના ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસા) ખનનની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમીના આધારે રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન પોલીસે ૧૪ ગેરકાયદેસર ખનન કુવાઓ પકડી પાડ્યા હતા. તાત્કાલિક ખાણ ખનીજ વિભાગ, સુરેન્દ્રનગરની ટીમને જાણ કરવામાં આવતા, વિભાગની ટીમે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી.
પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર કોલસા ખનનમાં ઉપયોગમાં લેવાયેલ સાધનસામગ્રી અને સ્થળ પર પડેલો કોલસો મળીને કુલ રૂ.૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ) ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
મુળી પોલીસે ગેરકાયદેસર ખનન માટે વપરાયેલ સાધનોમાં ૧ નંગ ચરખી, ૧૬ નંગ લોખંડના પાઇપો, ૨ ટ્રેકટર, ૧ જનરેટર, ૧ ડમ્પર, ૧ મોટર સાયકલ તેમજ સ્થળ પરથી કાર્બોસેલ (કોલસો)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
જ્યારે પોલીસે ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારા ઇસમો વિરધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. પી.બી. લક્કડ સહિત એ.એસ.આઇ. રણજીતભાઈ પ્રેમજીભાઈ, પો.હેડ કોન્સ. પરીક્ષીતસિંહ, ગોવીંદભાઇ, રવીરાજસિંહ, વિશ્વરાજવસિંહ તેમજ પો.કોન્સ. રાજપાલસિંહ, સતીષભાઇ, અને અજયસિંહ જોડાયા હતા.




