સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના આદેશ અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાની ટીમે મહત્વની કામગીરી હાથ ધરી છે.
આથી ચોક્કસ બાતમીના આધારે, LCBની ટીમે નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારના સાલખડા (તા.ચોટીલા) ગામની સીમમાં આવેલ એક વાડીમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસને ત્યાં છુપાવેલો દેશી દારૂ બનાવવાનો ૪૨૦૦ લીટર આથો (વોસ) મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ૧,૦૫,૦૦૦ જેટલી થાય છે. LCBએ સમગ્ર જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, દારૂના આ જથ્થાના માલિક અને મુખ્ય આરોપી મનજીભાઇ દેવાભાઇ ગણદીયા (રહે. સાલખડા, તા. ચોટીલા) સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા અને તેઓ ફરાર થઈ ગયા હતા. નાની મોલડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.



