તાલુકા કક્ષાના પ્રશ્નો માટે ઓનલાઇન તેમજ ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે તાલુકા વિકાસ અધિકારીને તા.૧૦ સુધી અરજી કરી શકાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ તમામ તાલુકાને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ અન્વયે ચાલુ માસમાં તા.૨૬.૧૧.૨૦૨૫, બુધવાર રોજ સવારે ૧૧.૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાંswagat. gujarat.gov.in વેબસાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની હોય છે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવામાં આવે છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે.
જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.
ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા. ૧૦ સુધીમાં અરજી/પ્રશ્નો બે નકલમાં સંબધિત તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહે છે. અત્રે નોંધનીય છે કે, સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી.


