પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા મેળાનો શુભારંભ:મહિલા કારીગરોને પ્રોત્સાહન અને સ્વદેશી ચીજવસ્તુઓનું આકર્ષણ
સ્થાનિક કલા-કૌશલ્યને વેગ આપવા અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે 'સશક્ત નારી મેળો' યોજાવા જઈ રહ્યો છે. સ્વદેશી અભિયાન અંતર્ગત આયોજિત આ મેળો આગામી તા. ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ દરમિયાન યોજાશે.આ પ્રદર્શન-કમ-વેચાણ મેળાનો શુભારંભ તા. ૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવશે. અતિથિ વિશેષ તરીકે સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે કીરીટસિંહ રાણા, પી.કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે. જેમાં મહિલા કારીગરો અને સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના વેચાણ માટે વિશેષ ૫૦ જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને સીધું બજાર પૂરું પાડવાનો છે. અહીં મુલાકાતીઓને હસ્તકલા, ઘરવપરાશની ચીજો અને અન્ય સ્વ-ઉત્પાદિત વસ્તુઓ સીધી કારીગરો પાસેથી ખરીદવાની તક મળશે. નાગરિકોની એક નાનકડી ખરીદી પણ આ શ્રમિક બહેનોના આર્થિક ઉત્થાનમાં મોટું યોગદાન આપી શકે છે.સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લેવા અને મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી આપની મુલાકાત અને ખરીદી ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તો ચાલો, આપણે સૌ સાથે મળીને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાર્થક કરીએ



