લીંબડી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. સચિવશ્રીએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી.
બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ, પૂર્ણ થયેલા અને પ્રગતિમાં રહેલા કાર્યો અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે જિલ્લામાં આવેલા વિવિધ સરકારી માળખાઓની સલામતી અંગે પણ માહિતી મેળવી હતી.
સચિવશ્રીએ માર્ગ અને મકાન વિભાગને જિલ્લામાં રોડની સ્થિતિ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ - મરામત કરવા અને નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા સૂચના આપી હતી. જિલ્લામાં આવેલા PHC, CHC સેન્ટરો વિશે માહિતી મેળવી આરોગ્ય વિભાગને ટીબી સહિતના વિવિધ રોગો અને તેના અટકાયતી ઉપાયો વિશે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં, તેમણે માતાના પોષણ અને બાળજન્મ વિશે વિગતવાર જાણકારી મેળવી સંસ્થાકીય ડિલિવરીને પ્રોત્સાહન આપવા અને માતા અને શિશુના સ્વાસ્થ્ય પર ભાર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગટર વ્યવસ્થા, સ્વચ્છતા અને આંગણવાડીની નિયમિત સાફ સફાઈ થાય અને ચેપી રોગોનો ફેલાવો ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે, સર્વેલન્સ અને જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની પ્રવૃત્તિઓ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં સચિવશ્રીએ પુરવઠા વિભાગની e-kyc કામગીરી અંગે ચર્ચા કરી હતી, તેમજ બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. શિક્ષણ વિભાગને સ્કૂલોમાં માળખાકીય જરૂરિયાતો પર ધ્યાન આપી બાળકોનું શિક્ષણકાર્ય વ્યવસ્થિત ચાલે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લામાં પોષણ અભિયાન વિશે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જિલ્લામાં ફાળવેલા આવાસોની પ્રગતિ વિશે માહિતી મેળવી, બાકી રહેલા આવાસોમાં ઝડપથી લક્ષ્યાંક પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરે તમામ વિભાગોને તાકીદ કરતા જણાવ્યું હતું કે, લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવું અત્યંત જરૂરી છે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ. જાલંધરા, લીંબડી પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




