સુરેન્દ્રનગર: પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગંભીર ગુનામાં વચગાળાના જામીન મેળવીને ફરાર થઈ ગયેલા આરોપી ધવલ પ્રવિણભાઇ ઝાલાને પોલીસે જોરાવરનગર ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ બાતમી મળી હતી કે, પોક્સોના ગુનાનો ફરાર આરોપી ધવલભાઇ પ્રવિણભાઇ ઝાલા (રહે. નવજીવન પાર્ક-૦૨, વઢવાણ) હાલ જોરાવરનગર વિસ્તારમાં છે.
આથી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપી સામે બી.એન.એસ.ની કલમ ૬૪(૧)(એમ), ૧૫૧(૧), ૩૫૨ તથા પોક્સો કલમ-૩(એ), ૪, ૫(એલ), ૬ મુજબ ગુનો નોંધાયેલો છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને સુરેન્દ્રનગર સબ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.


