જિલ્લા કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિ-મૂડીરોકાણના MoU દ્વારા નવા ઉદ્યોગો અને રોજગારની તકોનો માર્ગ મોકળો થશે-B2B/B2C સત્રો અને બે દિવસીય પ્રદર્શન સ્થાનિક કલા-કારીગરીને પ્લેટફોર્મ આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - VGRC અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ - DLPનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે ઔદ્યોગિક એકમો સાથે મૂડીરોકાણના MoU કરવામાં આવશે. આ MoU દ્વારા જિલ્લામાં નવા ઉદ્યોગો, રોજગાર તકો અને આર્થિક પ્રવાહમાં વધારો થવાનો માર્ગ મોકળો થવાનો છે.
કાર્યક્રમ અંગેની માહિતી આપતા જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાનાર કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ તેમજ જિલ્લા સ્તરીય કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. જિલ્લામાંથી વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા, તમામ ઉદ્યોગો, MSMEs, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વિવિધ ઇવેન્ટમાં ભાગ લેવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને લગતી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે જોવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કાર્યક્રમને વધુ માહિતીસભર બનાવવા માટે બે દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શન હેઠળ કુલ ૩૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યાં છે, જેમાં જિલ્લા સ્તરની વિવિધ સરકારી કચેરીઓ, બેન્કો અને ઔદ્યોગિક એકમોના સ્ટોલ્સ તથા હસ્તકલા ક્ષેત્રના સ્ટોલ્સનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક કલા અને કારીગરીને એક વિશિષ્ટ પ્લેટફોર્મ મળી રહેશે, જેથી હસ્તકલા ઉત્પાદકોને સીધો લાભ મળશે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એસ.બી.પારેજીયાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા માટે B2B અને B2C સત્રોનું આયોજન આ કાર્યક્રમની ખાસ વિશેષતા છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપ, GST અને Gem પોર્ટલ માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ B2C હેઠળ સામાન્ય નાગરિકો માટે વિવિધ સ્ટોલ્સ પરથી ખરીદી કરવાની વિશાળ તક ઉપલબ્ધ રહેશે, જે સ્થાનિક ઉત્પાદકોને સીધો ગ્રાહકો આપશે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટાર્ટઅપ યુવાનો, હસ્તકલા કારીગરો અને તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




