ગાંધીનગર વિધાનસભા ગૃહની મુલાકાત કરાવવા અને ચિલ્ડ્રન્સ હોમમાં બાળસાહિત્યને લગતા પુસ્તકો રાખવા પર ભાર મૂક્યો
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમની કાર્યપદ્ધતિ, બાળકોની સંખ્યા અને તેમને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશે સમાજ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા પાસેથી ઊંડાણપૂર્વક જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
મંત્રી ડૉ. મનીષા વકીલે બાળકો સાથે સ્નેહપૂર્વક વાતચીત કરી તેમના અભ્યાસ અને હોમમાં મળતી સવલતો વિશે પૂછપરછ કરી હતી. તેમણે ખાસ કરીને બાળકોના આરોગ્યની સંપૂર્ણ તકેદારી લેવાય તે માટે નિયમિત મેડિકલ ટેસ્ટ કરાવવાની તથા બાળકોના શારીરિક વિકાસ માટે કસરત સહિતની પ્રવૃત્તિઓ નિયમિત થાય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, મંત્રીએ બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગાંધીનગર વિધાનસભા ગૃહની મુલાકાત કરાવવા અને ચિલ્ડ્રન્સ હોમમાં બાળસાહિત્યને લગતા પુસ્તકો રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, અગ્રણી સર્વશ્રી વર્ષાબેન દોશી, દેવાંગભાઈ રાવલ, હાર્દિકભાઈ ટમાલિયા, રાજભા ઝાલા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ભાવનાબેન જીડીયા સહિત સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




