રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે પદ્મશ્રી લવજીભાઈ પરમારની મુલાકાત કરી તેમનું સન્માન કર્યું:મંત્રીએ ટાંગલિયા બનાવવાની પ્રક્રિયા, કિંમત અને વેચાણ સહિતની વિગતો મેળવી ઉત્પાદનોની ખરીદી કરી
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ ખાતે પદ્મશ્રી લવજીભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળની શ્રી આરાધ્યા ટાંગલિયા હાથવણાટ સહકારી મંડળી લી.ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન, મંત્રીએ પદ્મશ્રી લવજીભાઈ પરમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મંત્રીએ લવજીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા લુપ્ત થઈ રહેલી ટાંગલિયા હાથવણાટની કલાને સાચવી રાખવા અને તેના સંવર્ધન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી અને કલાને જીવંત રાખવામાં તેમના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતું.મંત્રી ડૉ. મનીષા વકીલે પદ્મ લવજીભાઈ પરમાર પાસેથી તેમની સહકારી મંડળીની સંપૂર્ણ વિગતો મેળવી અને કારીગરો સાથે સીધો સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
તેમણે રસપૂર્વક ટાંગલિયા બનાવવાની સંપૂર્ણ રીત વિશેની જાણકારી મેળવી હતી. ટાંગલિયા તૈયાર કરવામાં લાગતો સમય, તેની પડતર કિંમત અને વેચાણ વ્યવસ્થા સહિતની તમામ બાબતોની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. લવજીભાઈ અને તેમની ટીમ દ્વારા તૈયાર થતા વિવિધ ઉત્પાદનોને મંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યા હતા અને તેની ખરીદી પણ કરી હતી.આ મુલાકાત વેળાએ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અગ્રણી વર્ષાબેન દોશી, દેવાંગભાઈ રાવલ, હાર્દિકભાઈ ટમાલિયા, રાજભા ઝાલા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





