સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદના પગલે ગામમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેવા લાગી છે અને તેના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
કલ્યાણપુર અને આસપાસના ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં શાળાએ ગયેલા બાળકોની સુરક્ષા ચિંતાનો વિષય બની હતી. જોકે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ટ્રેક્ટરની મદદથી તમામ બાળકોને હેમખેમ કોઝવે પાર કરાવીને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા, જેનાથી વાલીઓએ રાહત અનુભવી હતી.
આ ઘટનાએ ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થતી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વહીવટી તંત્રને વધુ સજ્જ થવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.! ખાસ કરીને જ્યાં કોઝવે એકમાત્ર જોડાણ માર્ગ હોય તેવા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે.



