"હર ઘર તિરંગા અભિયાન 2025" હેઠળ દેશભરમાં રાષ્ટ્રધ્વજનું સન્માન અને રાષ્ટ્રભક્તિનો ઉત્સાહ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરના ઐતિહાસિક સ્થળો હવામહેલ અને ધોળીપોળ ગેટને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યા છે.
હવામહેલ, જે ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનું પ્રતીક છે, તેને તિરંગાની રોશનીની સજાવટથી ખૂબસૂરત બનાવવામાં આવ્યો છે. આ સાથે, ધોળીપોળ ગેટ પણ રાષ્ટ્રધ્વજના રંગોમાં ઝળહળી રહ્યું છે, જે નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવે છે. આ બંને સ્થળો પર ખાસ રોશનીની વ્યવસ્થા અને તિરંગાની ઝાંખીથી આઝાદીનો ઉત્સવ વધુ યાદગાર બની રહ્યો છે.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(SNMC) દ્વારા આ અભિયાન હેઠળ શહેરના તમામ વોર્ડમાં તિરંગાનું વિતરણ કરાશે, જેથી દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાય. આ ઉપરાંત, સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને શહેરમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગર્વ અને સન્માનની ભાવના જગાવવાનો છે. હવામહેલ અને ધોળીપોળ ગેટનો આ ભવ્ય નજારો નિહાળવા લાયક છે, જે આઝાદીના આ ઉત્સવને વધુ ખાસ બનાવે છે.





