ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અમદાવાદ-માળિયા હાઈવે પર કલ્પના હોટલ નજીકથી એક ક્રેટા કારમાંથી રૂ. 9.51 લાખનો ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગરની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા (IPS) દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાની આગેવાની હેઠળ એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ ટીમે જિલ્લાના વિવિધ હાઇવે રોડ પર પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ-માળિયા હાઈવે પર ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી નજીક એક સફેદ રંગની ક્રેટા કાર (રજી.નં. GJ-08-DL-3438) ને અટકાવી તપાસ કરી.
તપાસ દરમિયાન, કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી કાચની બોટલો (408 નંગ, કિંમત રૂ. 3,56,400) અને બિયરના ટીન (432 નંગ, કિંમત રૂ. 95,040) મળી આવ્યા હતા. આમ, દારૂ અને બિયર મળી કુલ રૂ. 4,51,440નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રૂ. 5,00,000/-ની કિંમતની ક્રેટા કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે કુલ રૂ. 9,51,440નો મુદ્દામાલ કબજે કરી, કારના ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જેમાં પો.હેડ.કોન્સ. યશપાલસિંહ રાઠોડ, દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઇ પાઠક, યુવરાજસિંહ સોલંકી, અને ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઈ. પ્રતાપભાઇ ખુંટીનો સમાવેશ થાય છે. ત્યારે હાલમાં કાર ચાલકની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.



