સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસે ગુમ થયેલ રોકડ રકમ પરત અપાવીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. ડૉ. ગીરીશ પંડ્યા (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક, સુરેન્દ્રનગર અને શ્રી પાર્થ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ મુખ્ય મથકના માર્ગદર્શન હેઠળ, અને શ્રી ડી.એલ. ઝેઝરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, "નેત્રમ" ના સુચનથી, "તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી.
આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ જાહેર જનતાની કિંમતી વસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, કે પર્સ ખોવાઈ જાય, તો નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી તેની તપાસ કરીને મૂળ માલિકને પરત કરવી.
તાજેતરમાં, ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, રાજેન્દ્રભાઈ જે. પટગીર, જે દાળમીલ રોડ, સત્ય સોસાયટી, સુરેન્દ્રનગરના રહેવાસી છે, તેમના બહુમાળી ત્રી રોડ ખાતે રૂ. ૨૫,૦૦૦ રોકડા પડી ગયા હતા. તેમણે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. નેત્રમ ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી અને તે પૈસા ક્યાં પડ્યા હતા અને કોણે લીધા હતા તે શોધી કાઢ્યું.
સીસીટીવી ફૂટેજની મદદથી સફળતાપૂર્વક વેરિફાઈ કરીને, ટીમે મૂળ માલિક રાજેન્દ્રભાઈ પટગીરને તેમના ગુમ થયેલા રૂ. ૨૫,૦૦૦ પરત કર્યા હતા. પોલીસે કરેલી આ કામગીરીની જનતા દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે.


