અભયમ કોમ્પ્લેક્સ, ચાર રસ્તા પાટડીથી શરૂ થયેલી આ યાત્રામાં ચોમેર લહેરાતા તિરંગાઓએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો
સમગ્ર દેશમાં ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન વેગવાન બન્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પાટડી નગરપાલિકા દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ૨૫૦૦ જેટલા ચોમેર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.
આ યાત્રાનું પ્રસ્થાન પાટડી ધારાસભ્ય પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અભયમ કોમ્પ્લેક્સ, ચાર રસ્તા, પાટડીથી પ્રારંભ થયેલી આ યાત્રાએ સમગ્ર નગરમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ યાત્રામાં તિરંગા સાથે બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ ભવ્ય તિરંગા યાત્રામાં પાટડી નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન શ્રીમતી ગીતાબેન વરસાણી, નગરપાલિકાના તમામ સભ્યો, પ્રાંત અધિકારી શ્રી મિલન રાવ, મામલતદાર શ્રી એચ. એમ. અમીન, અગ્રણીશ્રી દિલીપભાઈ પટેલ સહિત અનેક સામાજિક તથા રાજકીય આગેવાનો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપરાંત તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




