ચોટીલા: નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અને પારદર્શક અમલીકરણ અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોટીલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ આ બેઠકમાં સંચાલકોને વિવિધ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મેનુ મુજબ ગુણવત્તાયુક્ત ભોજન અને નાસ્તો આપવો જોઈએ. તેમણે રજિસ્ટરો યોગ્ય રીતે નિભાવવા, દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાર્થના સમયે વિદ્યાર્થીઓને ૨૦૦ મિલી ફ્લેવર્ડ મિલ્ક આપવા, અને ભોજન અને અલ્પાહાર વચ્ચે બે થી અઢી કલાકનો સમયગાળો જાળવવા પર ભાર મૂક્યો હતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ દૈનિક લાભાર્થી વિદ્યાર્થીઓની વિગતો મુખ્ય શિક્ષક પાસેથી નિયમિતપણે મેળવવી જોઈએ. આ ઉપરાંત, સંચાલક કમ કુક દ્વારા શાળા શરૂ થાય તે પહેલા અલ્પાહારની પૂર્વ તૈયારી કરી લેવી, અને જથ્થો મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે જ રાખવો, ઘરે નહીં. તેમણે કેન્દ્ર ઉપર મેનુ બોર્ડ લગાવવાની પણ સૂચના આપી હતી જેથી દરેક વ્યક્તિ તેને જોઈ શકે. બેઠકમાં આ બંને યોજનાઓના ફાયદાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓનું પોષણ સ્તર સુધારવા, હાજરી વધારવા, અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના, ચોટીલા અને તાલુકાના તમામ ગામોના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો હાજર રહ્યા હતા.


