ચોટીલા, ૧૫ ઓગષ્ટ: તાલુકા કક્ષાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ચોટીલાના ચોબારી (ધરમપુર) ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આજે ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા શ્રી એચ.ટી.મકવાણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સવારે ૮:૫૫ કલાકે અધ્યક્ષશ્રીનું આગમન થયું અને બરાબર ૯:૦૦ કલાકે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગવાયું. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ પોતાના ઉદ્બોધનમાં ક્રાંતિકારીઓના બલિદાનો, આઝાદીના આંદોલનો અને દેશના વિકાસમાં શિક્ષણ અને વ્યસનમુક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ચોટીલા સબ ડિવિઝનના વિવિધ વિભાગોની કામગીરીની પ્રશંસા કરી. આ પ્રસંગે, ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આરોગ્ય, પોલીસ, પંચાયત, મહેસૂલ અને અન્ય વિભાગોના કુલ ૩૫ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ. જેમાં 'શુભ દિન આયો રે...' સ્વાગત ગીતથી કાર્યક્રમનો શુભારંભ થયો. ચોબારી (ધરમપુર) ગામના આર્મીના જવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર ડાન્સ, 'બેટી બચાવો' વિષય પર ભાષણ અને અંગ્રેજીમાં ૧૫ ઓગસ્ટ વિશે સ્પીચ આપી હતી. સૌથી વધુ પ્રશંસા એક નાટકે મેળવી, જેમાં આર્મીના જવાનની સરહદ પરની પરિસ્થિતિ અને શહીદી બાદ માતા પર થતી અસરનું ભાવુક નિરૂપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. અધ્યક્ષશ્રીના હસ્તે શાળાના પ્રાંગણમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્ટાફ, શાળાના બાળકો અને આસપાસના ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ઉજવણી દેશભક્તિના રંગે રંગાઈને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
















