સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આઈ.કે.જાડેજાની વિશેષ ઉપસ્થિતિ
રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં આજે “ધ્રાંગધ્રા લોકમેળા"નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં આજથી ધ્રાંગધ્રા ખાતે ચાર દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે.
આ તકે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ છે. ઠેર ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. સાથે સાથે જન્માષ્ટમીના તહેવારોની પણ રંગત જામી છે. લોકમેળાઓમાં નગરજનો મજા માણી રહ્યા છે. મેળાઓ આજે સામાજીક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતિક બન્યા છે, તેમ ઉમેરી સાતમ આઠમના જન્માષ્ટમીના તહેવારોની શુભેચ્છા પાઠવી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ તેમજ શીતળા સાતમની શુભેચ્છા પાઠવતાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના મેળાઓની પરંપરા અને તહેવારો સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીતરિવાજો જોડાયેલા છે. જે આજે સૌરાષ્ટ્રમાં જીવંત છે. લોકમેળાઓ પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનું એક માધ્યમ બની ગયા છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણવા માટે ઉમટી પડવા તેમણે કહ્યું હતું.
સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ મેળાના મહત્વ વિશેની વાત કરતા કહ્યું હતું કે, મેળાઓમાં સામાજિક તથા આર્થિક રીતે મહત્વના છે. મેળામાં અનેક ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ પણ થાય છે. જેનાથી સ્થાનિક ઉત્પાદકોને પણ મોટો ફાયદો થાય છે. મેળાઓ સંસ્કૃતિ અને પરંપરાઓ આગળ ધપાવવાનું કામ કરે છે. આ મેળાના આયોજન બદલ ધાંગધ્રા નગરપાલિકા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં તેમણે દરેક લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી મેળાને મન ભરીને માણવા જણાવ્યું હતું.
આ તકે વિવિધ કલાકારોએ પરંપરાગત રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી ગિરીશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.







