નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું-આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે, સંસ્કૃતએ દેવોની ભાષા
વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ, ઋષિઓની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા
સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-૨૦૨૫ના અનુસંધાનમાં આજે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. અલ્ટ્રાવિઝન શાળાથી શરૂ થઈને શ્રી એસ.એન. વિદ્યાલય સુધી યોજાયેલી આ યાત્રાનો વૈદિક મંત્રોચાર સાથે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષાએ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે. આમ સંસ્કૃતએ દેવોની ભાષા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે તે હેતુથી સંસ્કૃત પાઠશાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ વિશેની માહિતી અપાતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જન-જન સુધી પહોંચે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે.
‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો, લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું. યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી. યાત્રામાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ એમ સપ્ત ઋષિની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા, સહિત સંસ્કૃત પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




