વીડિયોમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના સજુબેન વિરજીભાઈ બાંટીયા અને તેમના પુત્ર લાલજી વિરજીભાઈ બાંટીયા દ્વારા મોટા પાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ગામમાં રોજ ઝઘડાઓ થાય છે અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, દારૂ પીને આવતા લોકોને પકડીને માર મારવામાં આવે છે, પરંતુ જે લોકો દારૂ વેચી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
ગ્રામજનોએ આ વીડિયોમાં પોલીસ મથક અને તેના વહીવટદારના નંબર સહિતની વિગતો આપી છે અને જણાવ્યું છે કે તેમણે આ બાબતે પોલીસને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ એવી પણ માંગ કરી છે કે જો પોલીસ તંત્ર આ દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવે તો તેમને જાતે જ બંધ કરાવવાની ફરજ પડશે.
આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોનો આક્રોશ એ વાત પર છે કે દારૂના ખુલ્લા વેચાણથી બાળકો પર પણ ખરાબ અસર પડી રહી છે અને દારૂડિયાઓ પોતાની પત્નીઓને પણ દારૂની કોથળી લેવા મોકલી રહ્યા છે. ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને દારૂનો વેપલો બંધ કરાવવાની માંગ કરી છે.



