સોમવાર, 4 ઓગસ્ટ 2025 ના રોજ, મૂળી તાલુકામાં ગ્રામીણ વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો. સરા આંબરડી અને સુંદરી ભવાની ગામોને જોડતા 3.75 મીટર પહોળા માર્ગને 5.5 મીટર પહોળા કરવાનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. અંદાજે ₹8.80 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ માર્ગ, ગ્રામજનો માટે સુવિધાયુક્ત વાહનવ્યવહાર અને વિકાસની નવી તકોનો માર્ગ ખોલશે. આ માર્ગના નિર્માણથી મોરબી સાથેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.
આ પ્રસંગે હળવદ-ધાગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જીતુભાઈ વારમોરા, કલ્પેશભાઈ પરમાર, કાળુભાઈ કોરવાળીયા, બીપીનભાઈ પરમાર, ભૂરાભાઈ મલ, અને અન્ય સ્થાનિક નેતાઓ, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ કોરટીયાએ ગ્રામજનોની એક મહત્વની સમસ્યા રજૂ કરી. તેમણે લેખિતમાં રજૂઆત કરી કે હાલ દુધરેજ વાળો બ્રિજ બંધ હોવાથી એસ.ટી. બસો વાયા સરા થઈને જાય છે, તેથી સરા સ્ટોપ આપવામાં આવે. આ રજૂઆતનો હેતુ વિદ્યાર્થીઓ અને સામાન્ય વર્ગના લોકોને મુસાફરીમાં સરળતા મળે તેવો હતો. ધારાસભ્યશ્રીએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી, જેના માટે ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં વિકાસના કામો અંગે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવા માર્ગથી મૂળી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી પાંખો ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




