સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખાખરાળા ગામે એક દુઃખદ ઘટનામાં વીસ વર્ષીય યુવાન અજયભાઈ કાનાભાઈ બાહકિયાનું મૃત્યુ થયું છે. બનાવની વિગત એવી છે કે, ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યાના અરસામાં અજયભાઈ ગામના સરકારી સર્વે નંબર ૩૦૯ વાળી જમીનમાં સેન્ડ સ્ટોન/ફાયર ક્લે ભરવાનું કામ કરી રહ્યા હતા. તેઓ વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવાથી છેલ્લા ચાર મહિનાથી આ કામ કરતા હતા. સેન્ડ સ્ટોન ભરીને જામવાળી ખાતે આવેલા વોશ પ્લાન્ટમાં દળવા લઈ જવાના હતા.
આ કામગીરી દરમિયાન અચાનક લોડર સાથે અજયભાઈ ૧૫૦ ફૂટ ઊંડા અને ૧૫ ફૂટ પહોળા કૂવામાં ખાબક્યા હતા. લોડર અંદર જઈને વળી જતાં યુવક પણ નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, મામલતદાર આર.ડી. પટેલ, રાજકોટ અને સુરેન્દ્રનગરની બે રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં બીએસએચ, બોડી હારનેશ, કેમેરા અને હુક જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આખરે અજયભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતકના કાકા પ્રવીણભાઈ રામુભાઇ બાહકિયાએ નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની હાજરીમાં આ અંગે નિવેદન આપ્યું હતું. આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી તેના પરિવારજનો અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.

.jpeg)
.jpeg)
