ભાવનગરથી અયોધ્યા જતી વિશેષ ટ્રેનને આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર સ્ટોપેજ મળતા શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર આવકાર આપ્યો. સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાએ આ ઐતિહાસિક પળના સાક્ષી બની લીલી ઝંડી બતાવી ટ્રેનને અયોધ્યા ધામ તરફ રવાના કરી. આ પ્રસંગે શ્રી રામલલાની ભક્તિ અને સંસ્કારની આ યાત્રાને સુરેન્દ્રનગરના હૃદયમાંથી નીકળેલી શ્રદ્ધાની સફર ગણાવવામાં આવી.
આ પ્રસંગે સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લાના કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા, શહેર મહામંત્રી, અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન યાત્રાને લીલી ઝંડી બતાવતાં ઉપસ્થિત સૌ અયોધ્યાના રામ મંદિરની ભવ્યતાના સાક્ષાત દર્શન કરવા માટે ઉત્સાહિત જણાતા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેલવે સ્ટેશન પર સવારે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચેની આ સાપ્તાહિક ટ્રેન આગામી ૧૧ ઓગસ્ટથી નિયમિતપણે દોડશે, જેનાથી ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરના શ્રદ્ધાળુઓને શ્રી રામલલાના દર્શનનો સીધો લાભ મળશે. આ વિશેષ ટ્રેન શરૂ થવાથી શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા જવાનું સરળ બન્યું છે, જે ભાવનગર અને સુરેન્દ્રનગરના શ્રદ્ધાળુઓ માટે અત્યંત આનંદનો વિષય છે.




