ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા ડિવિઝનના DYSP જે.ડી. પુરોહિતને ફરજ દરમિયાન અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જે.ડી. પુરોહિતે PSI થી લઈને PI અને DYSP તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગર LCB, માંગરોળ અને હાલમાં ધ્રાંગધ્રામાં ફરજ બજાવી છે. તેમની આ સફર દરમિયાન તેમણે ચોરી, લૂંટ, ખૂન અને ગુમ થયેલા વ્યક્તિઓના અનેક કેસોનો સફળતાપૂર્વક ઉકેલ લાવી પોતાની ફરજને ઉત્તમ રીતે નિભાવી છે. તેમની આ કામગીરીને કારણે તેમણે પોલીસ બેડામાં એક આગવી નામના મેળવી છે અને ગુનેગારોમાં તેમની ભારે ધાક જામી છે.
તેમની આ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે તેમને આ સન્માન પ્રાપ્ત થયું, ત્યારે સમગ્ર પોલીસ બેડામાં અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ સન્માન બાદ ધ્રાંગધ્રા પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માનથી ધ્રાંગધ્રા ડિવિઝન અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે.


