સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના તળાવ શેરી વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન દ્વારા શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કુલ 16 વ્યક્તિઓ સાથે રૂ. 1.35 કરોડથી વધુની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડી આચરીને બંને ભાઈ-બહેન ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા છે. જેને પગલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીના રહેવાસી ધીરજભાઈ કિશોરભાઈ પરમાર (ઉંમર 33) કાર એસેસરીઝનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલાં તેઓ તળાવ શેરીમાં રહેતા પ્રશાંત ઉર્ફે કાળુ ભરતભાઈ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા, જે શેરબજારનું કામ કરતો હતો.
પ્રશાંતે ધીરજભાઈને શેરબજારમાં રોકાણ કરવાથી દર મહિને 3 થી 3.5 ટકા વળતર મળવાની લાલચ આપી હતી. શરૂઆતમાં ધીરજભાઈએ રૂ. 5 લાખનું રોકાણ કર્યું, જેના પર પ્રશાંતે ચાર મહિના સુધી માસિક રૂ. 15,000 લેખે રૂ. 60,000નું વળતર આપ્યું. આનાથી વિશ્વાસ બેસતાં ધીરજભાઈએ વધુ રૂ. 8 લાખનું રોકાણ કર્યું, જેના પર પ્રશાંત માસિક રૂ. 24,000 આપતો હતો.
ત્યારબાદ પ્રશાંત અને તેની બહેન મોનાએ મળીને વધુ નાણાંનું રોકાણ કરવા દબાણ કર્યું. આથી ધીરજભાઈએ રૂ. 16.50 લાખની હોમ લોન લીધી અને રૂ. 8-8 લાખ એમ કુલ રૂ. 16 લાખ પ્રશાંત અને મોનાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. જોકે, આ પૈસાનું વળતર મળવાનું બંધ થઈ ગયું અને વાયદાઓ કરાતા રહ્યા. આખરે, બંને ભાઈ-બહેન તેમના ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા.
ધીરજભાઈએ પોતાની અને અન્ય સાહેદોની મળીને કુલ રૂ. 1,35,54,660ની છેતરપિંડી થયાની ફરિયાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને પીએસઆઈ એ. કે. વાઘેલા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

.jpeg)
