સુરેન્દ્રનગર: ગુજરાત પોલીસ દ્વારા તા. 3 થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યવ્યાપી ખાસ ડ્રાઇવના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ફરતા અને કારમાં ડાર્ક ફિલ્મ લગાવેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ બુધવારથી શુક્રવાર સુધી ચાલેલી આ વિશેષ ડ્રાઇવમાં કુલ 217 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી કુલ રૂ. 1,08,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર ઉપરાંત તાલુકા મથકોએ પણ પોલીસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એલ.બી. બગડા અને તેમની ટીમે નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને પકડ્યા હતા.
આ ડ્રાઇવનો મુખ્ય હેતુ માર્ગ સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે અને જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવી પણ ચેતવણી પણ પોલીસે આપી છે.



