પાટડી: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે તાજેતરમાં શ્રી જય વેલનાથ યુવક પ્રગતિ મંડળ, ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ પાટડીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવાનો હતો.
આ ભવ્ય સમારોહમાં અનેક મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, દસાડા-પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, તેમજ જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી. સમાજના આગેવાનોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકી સમાજની પ્રગતિ માટે શિક્ષણને એક આવશ્યક સાધન ગણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જય વેલનાથ યુવક પ્રગતિ મંડળ, ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ પાટડીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.




