ચાલુ નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી બાલાજી વિન્ડ પાર્ક ખાતે મહિલા મંડળ દ્વારા પરંપરાગત ટીપણી નૃત્ય – ડાન્સ ગરબા શો ની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ટીપણી નૃત્ય ગુજરાતના સૌરાષ્ટ્રના ચોરવાડ પ્રદેશમાં જન્મેલું એક લોકનૃત્ય છે. પ્રાચીન કાળમાં બાંધકામના પાયા કે માળામાં વપરાતા ચૂનાના ગારાને મજબૂત કરવા મહિલાઓ કામ કરતી વખતે ગીતો ગાઈને નૃત્ય કરતા, જેથી આ નૃત્યની પરંપરા ઊભી થઈ હતી. આ નૃત્યની શરૂઆત કોળી જાતિના લોકોએ કરી હતી અને વિશેષતા એ છે કે આ નૃત્ય પરંપરાગત રીતે માત્ર સ્ત્રીઓ જ કરતી. મહિલાઓ હરોળમાં ઊભી રહી લોકગીતો સાથે તાલ મિલાવીને નૃત્ય કરે છે.
સંગીતમાં તુરી, થાળી, ઝાઝ, મંજીરા, તબલા, ઢોલ અને શરણાઈનો ઉપયોગ થતો હોવાથી માહોલ આનંદમય બની રહે છે. શ્રી બાલાજી વિન્ડ પાર્ક મહિલા મંડળ દ્વારા રજૂ થયેલ આ પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોને ગુજરાતની પરંપરા અને સાંસ્કૃતિક વારસાની યાદ અપાવી હતી. આવો કાર્યક્રમો સમાજમાં સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાના સંવર્ધન માટે ઉત્તમ પગલાં સાબિત થાય છે.



