મુળી-વગડીયા રોડ પર વૃક્ષોની ડાળીઓ પડતાં વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો પરંતુ તાત્કાલિક કાર્યવાહીથી રસ્તો ખુલ્લો કરાયો
ચોટીલા, ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રવિવારે મુળી તાલુકામાં નિરીક્ષણ દરમિયાન ભારે વરસાદ અને પવનના કારણે રસ્તા પર પડેલી બે વૃક્ષોની ડાળીઓ હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
મુળી તાલુકાના આસુન્દ્રાળી, વગડીયા અને ઘોળીયા ગામોની મુલાકાતે હતા. આ દરમિયાન, મુળી-વગડીયા રોડ પર ભારે વરસાદ અને પવનના કારણે બે અલગ-અલગ જગ્યાએ બે વૃક્ષોની ડાળીઓ રોડ પર પડી ગઈ હતી. આના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો અને રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો અને લોકોને મુશ્કેલી પડી રહી હતી.
લોકોને મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય તે હેતુથી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. તેમણે જાતે જ રોડ પર પડેલી વૃક્ષોની ડાળીઓ દૂર કરી અને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. ત્યારે આ તાત્કાલિક કાર્યવાહીથી ટ્રાફિક જામ થતો અટક્યો હતો અને વાહનવ્યવહાર સરળતાથી ચાલુ થઈ શક્યો હતો.



