નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ:સહકારી મંડળીના સભાસદોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં મેમકા ગામ ખાતે શ્રી મેમકા સેવા સહકારી મંડળી લી.ના સભાસદો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના સભાસદોએ ઉત્સાહભેર ભાગ લઈને વડાપ્રધાનશ્રીને સંબોધીને પોસ્ટકાર્ડ લખ્યા હતા અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ મકવાણાએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સરકારે કરેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ વિશે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને તેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે, જેના હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે.
ખેડૂતોને હાલના બજારભાવો કરતાં સારો ભાવ મળે તે માટે તેમણે થોડો સમય પાકનો સંગ્રહ કરવાની સલાહ આપી ઉમેર્યું હતું કે, જિલ્લામાં ઝડપથી CCI કેન્દ્રો ચાલુ થાય તે માટે સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકવાર સરકાર ખરીદી શરૂ કરશે એટલે બજારભાવો આપોઆપ બદલાશે, જેથી સંગ્રહ કરવો હાલના તબક્કે ફાયદાકારક સાબિત થશે.
પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાનશ્રીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, પશુપાલકોને રૂ. ૨ લાખ સુધીની લોન ૦% વ્યાજ દરે મળે તેવી મોટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પગલું પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર બનાવશે.
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી કોમલ ચૌધરીએ સહકાર ક્ષેત્રમાં થયેલા વ્યાપક સુધારાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સહકાર મંત્રાલયની સ્થાપના અને નીતિઓમાં ફેરફાર બાદ હવે સેવા સહકારી મંડળીઓ માત્ર ધિરાણ કે ખાતર વિતરણ પૂરતી સીમિત ન રહેતા, તે હવે જન ઔષધિ કેન્દ્ર અને જનસેવા કેન્દ્ર પણ ખોલી શકે છે.
તાજેતરના જીએસટી રિફોર્મ્સને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં ઘટાડો થયો છે, જેનો સીધો લાભ પશુપાલકો અને સામાન્ય માણસોને મળી રહ્યો છે. આ તમામ ક્રાંતિકારી પગલાં લેવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે ગુજરાત રાજ્યમાં સહકાર ક્ષેત્રના તમામ સભાસદો મારફત પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ એકસાથે પોસ્ટકાર્ડ લખીને 'ગીનીસ વર્લ્ડ રેકોર્ડ' બનાવવાનો છે.
સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ બેંકના સીઈઓ રઘુભા પરમારે પણ ઉપસ્થિત સર્વેને પોસ્ટકાર્ડ ઝુંબેશ વિશે માહિતગાર કર્યા હતા અને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં મેમકા ગ્રામ સરપંચ, પદાધિકારીઓ, અગ્રણીઓ, મંડળીના સભાસદો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.






